પાંચ રુપિયા..

પાંચ રુપિયા..

     વેકેશન હોવાથી અગાઉથી નક્કી કર્યા મુજબ મારી દીકરીને અમદાવાદ બહેનપણી સાથે બે ચાર દિવસ માટે રહેવા જવું હતું.સવારે નવ વાગે આણંદથી પસાર થતી સંકલ્પ ફાસ્ટ પેસેન્જરમાં જવાનું નક્કી કર્યુ હતું. હું એને સ્ટેશન સુધી મૂકવા ગયો હતો.
     ટિકિટ બારી આગળની લાઈનો ટૂંકી હતી એટલે અનુભવ થાય એ આશયથી મેં એને ટિકિટ લેવાં લાઈનમાં ઊભા રહેલા કહ્યું. મેં એને ત્રીસ રુપિયા આપ્યા હતાં.કદાચ જીવનમાં પહેલી વાર મારી દિકરી આ રીતે ટિકિટ લેવાં લાઈનમાં ઊભી હશે.એ લાઈન ધીમેથી આગળ વધતી હતી. હું ધ્યાન રાખવા એની સમાંતર આગળ વધતો હતો પણ બીજી એક બેને આવીને મને ત્યાંથી હટી જવા કહ્યું.એટલે જગ્યા ના હોવાથી મારે ત્યાંથી નીકળીને છેક પાછળ જવું પડ્યું.તેથી એની વાતચીત અને વ્યવહાર પર ધ્યાન ન રહ્યું.
      મારી દીકરી દુન્યવી વ્યવહારોમાં(એટલે કે સ્વ માટે શ્રેષ્ઠ પણ શાસ્ત્રો મુજબ નકારાત્મક ભૂમિકા) કાચી પડે છે. કારણ અમે એને એવી ચાલાકી (?) (કે લુચ્ચઈ) શીખવી જ નથી. અત્યંત પ્રામાણિકતા અને ઉદારતા અમારો સ્વભાવ રહ્યાં છે. એની પાછળ ઉભેલો છોકરો એની આગળ ટિકિટ લઈ ગયો હતો.છતાં તે શાંતિથી ટિકિટ માટે ઊભી હતી.તે ટિકિટ લઈ બહાર આવી એટલે અમે પ્લેટફૉર્મ તરફ ચાલવા લાગ્યાં.કઈ પ્લેટફૉર્મ ટિકિટ અને કઈ અમદાવાદની તથા ભાડુ ચેક કરવા મેં એને કહ્યું.એ ખાસ્સી વાર પછી શોધી શકી.કારણ ટિકિટ પર ક્યાં શું લખેલું હોય એ જાણવા માટે પર અનુભવ જરુરી છે.વધારે વાર ટિકિટ આપણા હાથમાંથી પસાર થઈ હોય તો આપણી નજર ત્યાં જ જશે જે આપણે જોવું હોય.વળી ટિકિટ પરનું લખાણ  ખૂબ ઝીણું અને ઝાંખું હોય છે.અમે પ્લેટફોર્મ નંબર બેનો દાદર ઉતરી રહ્યાં હતાં.અમદાવાદના 15₹ અને પ્લેટફૉર્મના 10₹ હતા.મેં પાંચ રુપિયા પાછા માગ્યા.
તો કહે, "એણે  નહી આપ્યા."
મેં કહ્યું, " તો તારે માગવા જોઈએ ને?!"
તે ફરીથી બોલી,"પણ એણે આપ્યાં નહીં તો હું શું કરુ?"
મેં એને કહ્યું, "તું ઉભી રહે હું પાછો જઈને લઈ આવું." મારી ઈચ્છા પાછા જઈને 5₹ લઈને રીતસર તેની સાથે તેની "દાનત" પર ઝઘડવાની હતી.
પણ એણે મને ના પાડતાં કહ્યું, "રહેવાં દો હવે,ચાલશે.ગાડી આવી જશે તો?"
હું વિવશ હતો.હું ચીડાયો.
મેં એને કહ્યું," તારે બરાબર ચેક કરી લેવું જોઈએ ને?" એણે જવાબમાં જણાવ્યું," બરાબર વંચાતું જ નહોતું." મેં એને સમજાવતા કહ્યું," આપણે ત્યાં જ કાઉન્ટર પર ઊભા રહીને બધો હિસાબ ચેક કરી લેવો જોઈએ.એ સાલાઓની દાનત તો આવી જ હોય છે.ચલ, આજે તું પાંચ રુપિયાનું દાન કરી આવી." મને અને કદાચ એને પણ પાંચ રુપિયા ગુમાવવાનો અફસોસ થતો હતો.
     હજી પણ મારા મન પર એ પાંચ રુપિયા સવાર હતાં.મને મારો ભૂતકાળ યાદ આવી ગયો.જ્યારે અમે પંજા,દસકા માટે ટટળતાં હતાં.અરે એકવાર તો હું આઠ આના માટે કંડકટરની રાહ જોઈને બસ સ્ટેન્ડ પર અડધો કલાક બેસી રહેલો. મેં વિચાર્યું દિકરીને મૂકીને પાછાં ફરતાં એ ટિકિટ બારી પાસે જાઉં.પાંચ રુપિયાની ઉઘરાણી કરુ અને ના આપે તો બબાલ કરું.બીજો વિચાર એવો પણ આવ્યો કે એ મૂંછાળા અને ચશમીસ બુકીંગ ક્લાર્કનો ફોટો પાડીને ફેસબુક પર મૂકું. પરંતું ટ્રેન આવી, મેં એને સુરક્ષિત શીટ બતાવીને બેસાડી,ટ્રેન ગઈ અને હું ચાલતાં પાછો આવ્યો ત્યાં સુધીમાં મારો અડધો ઉત્સાહ ઓસરી ચૂક્યો હતો.છતાંય મેં 4 નંબરની ટિકિટબારી પર નજર કરી તો, ત્યાં બેઠેલો માણસ ડ્યૂટી બદલાવાથી બદલાઈ ચૂક્યો હતો!

સત્ય ઘટના તા-23.5.18
લેખક-શ્રી જયંતીભાઈ આઈ.પરમાર "નિર્દોષી"

Comments

Post a Comment

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...