૧૦૨નોટ આઉટ

*૧૦૨ નોટ આઉટ : ઝિંદગી… એક સફર હૈ સુહાના!*

*”ઔલાદ નાલાયક નીકલે તો ઉસે ભૂલ જાના ચાહિએ, સિર્ફ ઉસકા બચપન યાદ રખના ચાહિએ..!!”*

ગુજરાતી તખ્તાનાં સફળત્તમ નાટકોમાં જેનો સમાવેશ થઈ શકે તેવા ‘૧૦૨ નોટ આઉટ’ને ફિલ્મી પડદે નિહાળવાની મજા જ કંઇક અલગ રહી! દિગ્દર્શક ઉમેશ શુક્લાએ તો ‘ઓહ માય ગોડ’નાં રીલિઝ સાથે પૂરવાર કરી આપ્યું હતું કે તેમને પ્રેક્ષકોની ધોરી નસ પકડતાં બરાબર આવડે છે. સૌમ્ય જોશી લિખિત-દિગ્દર્શિત નાટકો આજે વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યા છે. તેમની સૌથી મોટી ફાવટ મુંબઇગરાની મેટ્રોલાઇફ દેખાડવામાં છે. સમય મળે તો યુટ્યુબ પર ‘વેલકમ ઝિંદગી’ નાટકની નાનકડી ક્લિપ જોઇ લેજો! *લોહી અને લાગણીનાં તાંતણે બંધાયેલ સંબંધોને સાથે રાખી, જીવનને વાસ્તવિક અંદાજમાં જીવી શકવાની ચાવી અહીંથી મળી જશે એની ખાતરી.*

 પાનખરની ઋતુમાં વસંત જેવો જોમ ધરાવતાં ૧૦૨ વર્ષનાં દત્તાત્રેય વખારિયા (અમિતાભ બચ્ચન) પોતાનાં ૭૫ વર્ષનાં નિરસ-ઉદાસ પુત્ર બાબુલાલ વખારિયા (રિષી કપૂર)થી કંટાળીને તેને વૃધ્ધાશ્રમમાં મોકલી દેવા માંગે છે. *વિશ્વનો કદાચ પહેલો કિસ્સો એવો હશે જ્યાં બાપ પોતાનાં સગ્ગા દીકરાને વૃધ્ધાશ્રમમાં પહોંચાડવાની વાતો કરતો હોય!* પિતાની ધમકીથી ગભરાઈ ગયેલો બાબુલાલ એમની દરેક શરતો માનવા તૈયાર થઈ જાય છે. પાડોશની એક મેડિકલ શોપમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહેલો ધીરૂ (જીમિત ત્રિવેદી) પણ દત્તાત્રેયને એમનાં દરેક કામમાં મદદ કરે છે.

 બાપ-દીકરાનાં સંબંધોને આપણા દેશમાં ખૂબ સખ્તાઈપૂર્વક દેખાડાયા છે. દીકરો લવ-મેરેજ કરવા ઇચ્છતો હોય કે પછી પોતાની મનપસંદ કરિયર નક્કી કરવા માંગતો હોય; દરેક પરિસ્થિતિમાં એક વૃધ્ધ-ખડૂસ બાપ તેનાં સપના પર પાણી ફેરવી દે એવી ફિલ્મોનો દૌર ઘણો લાંબો ચાલ્યો. છેલ્લા થોડા સમયથી ટીન-એજ જનરેશન સાથે ખભે-ખભા મિલાવી, તેમની સાથે દારૂ પીતાં મોડર્ન બાપની ફિલ્મોનું ચલણ પણ શરૂ થયું છે. પરંતુ *એક છત નીચે રહેતાં બે વયોવૃધ્ધ બાપ પોતાનાં ખુદની કશ્મકશ સાથે ઝઝૂમતાં હોય એવી ફિલ્મો આ પહેલા ક્યારેય ધ્યાનમાં નહોતી આવી.* ‘૧૦૨ નોટ આઉટ’માં બાપ-દીકરો જે જિંદગી જીવી ચૂક્યા છે એને પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે ધીરૂનાં પાત્રનો ઉપયોગ થયો છે એમ કહી શકાય. *હિરોઇન વગરની તદ્દન (બાહ્ય) નોન-ગ્લેમરસ ફિલ્મમાં પણ બે બુઢ્ઢાઓની વાતને ભરપૂર ગ્લેમર સાથે દર્શાવવી એ કંઈ ખાવાનાં ખેલ નથી! એકે-એક ઘૂંટડો નિરાંતે પી શકાય એવી પ્રવાહી વાતોને અહીં જે પ્રકારે રજૂ કરાઈ છે તે ખરેખર અફલાતૂન છે. સ્ટોરી-સ્ક્રિનપ્લે અને ડાયલોગ લખનાર સૌમ્ય જોશીને આ માટે હેટ્સ ઓફ્ફ!*

 પિતાનાં ભાવવિશ્વને સમજવા માટે તેમનાં ફોટો પર હાર ચડી જાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. *કરિયર-પૈસા-સુખ-સગવડ પાછળ ભાગવામાં આપણે હંમેશા આપણા આપ્તજનોને યાદ કરવાનું, તેમની સાથે હંસી-ખુશીની પળો વિતાવવાનું કરવાનું ચૂકી જઈએ છીએ.* પણ સાહ્યબ, ફિલ્મમાં *૧૦૨ વર્ષનો બાપ પોતાનાં ૭૫ વર્ષનાં છોકરાને સૂવડાવતી વખતે જ્યારે તેનાં માથા પર હાથ ફેરવે છે ત્યારે તમારી આંખો ભીની ન થાય તો સમજી જજો કે લાગણીઓને ઢંઢોળવાનો સમય પાકી ગયો છે!* માં પોતાનાં સંતાનને જન્મ આપે છે પરંતુ તેનો બાપ એને જીવનની આંટીઘૂંટીઓ સામે ઝઝૂમતાં શીખવે છે, દરેક ક્ષણ માણવાલાયક છે એનો અહેસાસ કરાવે છે. સૌથી દુઃખદ બાબત તો એ છે કે *જ્યાં સુધીમાં તેણે ઉગાડેલ છોડ પર ફૂલ આવવાનાં શરૂ થાય છે ત્યાં જૂના પાનનો ખરી જવાનો વખત આવી જાય છે…*



*ક્લાયમેક્સ* : પહેલા તો ‘રેવા’, આજે ‘૧૦૨ નોટ આઉટ’ અને આવતાં અઠવાડિયે ચિન્મય પુરોહિતની ‘ઓક્સિજન’! ગુજરાતી સિનેમા, સાહિત્ય અને નાટકોનો ધોમધખતો સૂરજ હવે ક્યારેય આથમે નહી એવી સિનેમાદેવને પ્રાર્થના!

સાંજ સ્ટાર : (૧) *૧૦૨ નોટ આઉટ* : ચાર ચોકલેટ  (૨) *ઓમેર્ટા* : બે ચોકલેટ

૧૦૨ નોટ આઉટ

*કેમ જોવી? : પથ્થરદિલ દુનિયામાં ધ્રુસકે-ધ્રુસકે રડીને હ્રદય હળવું કરી શકાય છે એ વાત વિસરાઈ ગઈ હોય તો!*

*કેમ ન જોવી? : તમારા માતા-પિતાને ગજા બહારનો સમય અને ભરપૂર પ્રેમ આપી રહ્યા હો તો!*

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...