“ઈમાનદારી”....

બપોરના બાર વાગ્યા હતા. હું મારી ઓપીડીનાં કામમાં વ્યસ્ત હતો. દરરોજ લગભગ ૧૨૦ જેટલાં દર્દીઓને જોવા પડતા હોવાના કારણે અમે અત્યંત વ્યસ્તતા અનુભવતા હોઈએ છીએ. દરરોજ મશીનની માફક અમારું કામ ચાલતું હોય. બાળ-દર્દીઓને તપાસવા, એમના રિપોટ્ર્સન જોવા, દવા લખી આપવી, ખોરાકથી માંડીને દવા વિશે સમજાવવું : એમ ઢગલો એક કામ ક્રમબદ્ધ ચાલત હોય.

‘સાહેબ, એક બાળક ખૂબ સિરિયસ લાગે છે, મોકલું?’ એ યંત્રવત કામોની ભરમાર વચ્ચે મારા માણસે મને કહ્યું.

‘શું થયું છે?’ મેં પૂછ્યું.

‘નાનું બાળક છે અને ખૂબ હાંફે છે.’ એણે જવાબ આપ્યો. મેં એને મોકલવા માટે માથું હલાવીને સંમતિ આપી.

થોડીવારમાં જ એક માજી અને એક દીકરાને લઈને મારી ચેમ્બરમાં દાખલ થયાં. બંનેનાં કપડાં પરથી એમના ઘરની સ્થિતિનો તરત જ અંદાજ આવી જતો હતો. અનેક થીંગડાંવાળાં કપડાં બતાવી જ આપતાં હતાં કે એમની પરિસ્થિતિ કેવી હશે. બાળકને પણ એવાં જ ગાભામાં વીંટાળ્યું હતું. મેં એમને મારી બાજુમાં બેસવાનો ઈશારો કર્યો. માજી એ દીકરાને લઈને મારી બાજુમાં બેસી ગયાં.

‘ક્યા ગામથી આવો છો?’ મેં પૂછ્યું.

‘ગારિયાધારની બાજુના ગામડેથી’ માજીએ જવાબ આપ્યો.

‘બાળક કેટલા દિવસથી બીમાર છે?’

‘ત્રણ દિવસથી. ત્રણ દિ’પહેલાં એને ઉધરસ શરૂ થઈ હતી અને ગઈકાલથી ઊભો શ્વાસ થઈ ગયો છે.’ માજીએ કહ્યું.

મેં બાળકને ઓઢાડેલું કપડું હટાવ્યું. સાવ હાડપિંજર જેવું એ બાળક ધમણની માફક હાફતું હતું. કુપોષણ અને ઘણાં બધાં વિટામિનની ખામીથી એ કૃશ શરીર કાળું મેશ જેવું બની ગયું હતું. આંખો અર્ધી ખુલ્લી હતી. એનું શરીર પણ ખાસ્સું તપતું હતું. હાથપગના નખ ભૂરા થઈ ગયા હતા. આ બધી બાબતો એને બંને ફેફસામાં ન્યુમોનિયા થયો હોવાની ચાડી ખાતી હતી.

‘માજી ! આને દાખલ કરવો પડશે. કદાચ એને શ્વાસના મશીનની જરૂર પણ પડે (વેન્ટીલેટરની). એ સગવડ મારી પાસે નથી. તમે એક કામ કરો. ભાવનગરના સરકારી દવાખાને આને દાખલ કરી દ્યો. ત્યાં હવે આવી બધી સુવિધાઓ હોવાથી આ બાળકના બચી જવાની શક્યતા વધારે રહેશે.’ મેં કહ્યું. ભાવનગર મેડિકલ કોલેજ બન્યા પછી અહીંની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે.

‘પણ બાપા ! અમે બે જ જણ આવ્યાં છીએ. અમને તો એમ હતું કે દવા લઈને પાછાં જતાં રહીશું !’ માજી બોલ્યાં.

‘નહીં માડી ! પાછાં જવાય એવું નથી. બાળક ખૂબ સિરિયસ છે. ઘરે દવા થઈ શકે એવું નથી લાગતું. તમારે એને દાખલ તો કરવું જ પડશે.’ મેં ભાર દઈને કહ્યું

‘પણ… ! પણ…’ માજી બે વખત ‘પણ’ બોલીને અટકી ગયાં. એને શું કહેવું હતું એનો અંદાજ લગાવતા હું બોલ્યો, ‘માડી ! તમે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં. આ સરકારી દવાખાનું છે. ગરીબ માણસોને સાવ મફતમાં સારામાં સારી સારવાર ત્યાં મળે છે, એટલે તમે ખર્ચની ચિંતા નહીં કરતા.’

‘પણ અમે સાસુ-વહુ ત્રણસો રૂપિયા લઈને નીકળ્યાં છીએ ! એમાંથી ચોથા ભાગના ટિકિટમાં વયા ગ્યા. હવે અમારી પાસે માંડ બસોએક રૂપિયા વધ્યાં છે. અમારે દવા કે એવું કાંઈક લાવવું પડશે તો?’ માડીએ વાત કઈ જ નાખી.

મને એમના ખચકાટનું કારણ શું હોઈ શકે એનો લગભગ અંદાજ તો હતો જ. મેં એમને પાંચસો રૂપિયા આપ્યા અને કહ્યું, ‘માડી ! અત્યારે તમે આ લઈને જાવ અને દાખલ થઈ જાવ. એક વાર દીકરાની સારવાર શરૂ થઈ જાય પછી બીજું બધું જોયું જાશે.’

પરંતુ મારી નવાઈ વચ્ચે માજીએ એ લેવાની સાફ ના પાડી.

‘કેમ માડી?’ મેં કહ્યું. ‘અત્યારે આ લઈને તમે જલદી જાવ અને આને દાખલ કરી દ્યો.’

પણ મારો હાથ પાછો ઠેલતાં માજી બોલ્યાં, ‘ના સાહેબ ! અમે હમણાં બસટેંડે જઈને કો’ક ઓળખીતા ભેગું કે’વડાવશું એટલે ઘરે સમાચાર મશી જાશે. પછી આ ચોકરાનો બાપ ગમે ઈમ કરીને પૈસાનું કરશે. પણ તમારા થોડા લેવાના હોય?’

‘માડી !’ મેં કહ્યું, ‘અત્યારે એવો બધો સંકોચ છોડો અને મારી વાત ધ્યાનથી સાંભળો. તમારે જતાવેંત મોંઘા ઈન્જેકશન લાવવાના થયા તો? તમે કહેવડાવો અને છોકરાનો બાપ વ્યવસ્થા કરીને બાવનગર આવે એટલી વારમાં તો મોડું ન થઈ જાય? એના કરતા આ પૈસા લેતા જાવ અને જલદી એને મોટા દવાખાનામાં દાખલ કરી દ્યો. અને હા ! જો ત્યાં દાખલ થયા પછી પણ કોઈ દવા કે ઈન્જેકશન લાવવા માટે પૈસાની જરૂર પડે તો મારી પાસેથી લઈ જજો. પણ હવે જલદી જાવ !’ મેં એમને સમજાવવાની કોશિશ કરી.

મારા આપેલા પૈસા લેવાની એમની જરા પણ ઈચ્છા નહોતી. પરંતુ મારી સમજાવટની અસર હોય કે પછી બાળકની ગંભીર સ્થિતિ એ ગમે તે હોય પણ માજીએ વધારે રકઝક કરવાનું માંડી વાળ્યું અને બાળકને લઈને સાસુ-વહુ સરકારી દવાખાને જવા રવાના થયાં.

એ વાતને ત્રણ દિવસ વીતી ગયા. ચોથા દિવસે બપોરે હું ઓપીડીના બાકી રહેલા છેલ્લા બાળદર્દીને તપાસી રહ્યો હતો. મેં મારા માણસને પૂછ્યું કે, ‘બહાર કોઈ છે હવે?’

‘હા સાહેબ ! ત્રણ દિવસ પહેલા જે સિરિયસ છોકરાને મોટા દવાખાને મોકલ્યો હતો એના દાદીમા બહાર બેઠાં છે. મોકલું?’

મેં હા પાડી. રોજની દોડધામમાં અમે એ વાત ભૂલી પણ ગયા હતા. પછી હું વિચારમાં પડી ગયો. મને થયું કે, ‘કદાચ પેલા છોકરા માટે વધારે મદદની જરૂર પડી હશે. નહીંતર મોટાભાગે તો બીજા દવાખાને મોકલેલા દર્દીના સગા ભાગ્યે જ મળવા આવતા હોય છે.’ હું આગળ કાંઈ વિચારું એ પહેલા જ પેલા માજી અંદર આવ્યા.

મેં માજીને બેસાડ્યાં. પછી પૂછ્યું, ‘બોલો માડી ! કેમ આવવું થયું?’

‘આ પેલા પાંચસો રૂપિયા પાછા આપવા આવી છું, સાહેબ !’ માજી બોલ્યાં.

‘પાછા આપવા? કેમ?’ મને નવાઈ લાગી.

‘હા સાહેબ ! પાછા આપવા આવી છું.’ માજીએ કહ્યું

‘પણ કેમ માડી?’

‘સાહેબ અમે મોટા દવાખાને ગયા પછી બે કલાકમાં જ દીકરો તો ગુજરી ગ્યો. ત્યાંના દાકતરે એકેય દવા બજારમાંથી નહોતી માંગવી. દીકરો તો ઈ પહેલા જ પાછો થયો હતો. તે દિ’તો અમે મૈયત લઈને ઘરે વયાગ્યા’તા. આજ જિયારત પત્યા પછી હું આ પૈસા દેવા આવી છું.’

‘પણ માડી, એ રાખવા હતા ને? ઘરમાં કામ આવત. એટલાક રૂપિયા માટે આટલો લાંબો ધક્કો થોડો ખવાય?’ મેં કહ્યું.

‘ના સાહેબ ! એ તો હરામના કે’વાય તમે તો દીકરાની દવા માટે આપ્યા’તા. દીકરો તો પાછો થયો. એના માટે ફદિયું પણ વપરાયું નહોતું. હવે ઈ પૈસા અમારે નો જ રખાય. તમે ઈ પાછા લઈ લ્યો.’ માડીએ મારા ટેબલ પર પૈસા મૂક્યા.

હું નિઃશબ્દ બની ગયો. આજકાલ દરેક બાબતમાં કળિયુગ આવી ગયો છે એવું બોલાય છે. ઘણી વખત અનુભવાય છે. પણ એ ક્ષણે હું જે જોઈ રહ્યો હતો એ થોડીક મિનિટો ચોક્કસપણે કહી શકાય કે કળિયુગની તો નહોતી જ ! ધરતી માનવીઓનો ભાર કદાચ એમ જ ઝીલી નહીં લેતી હોય. આવા લોકોના કારણે જ એ શક્ય બનતું હશે. ગામડામાં વસતો સાવ છેવાડાનો માણસ વ્યવહારમાં હજુ આવો અણીશુદ્ધ રહી શક્યો છે ત્યાં સુધી આ દેશની ચડતી જ હોય એવો વિશ્વાસ મને આવી ગયો. મારા દેશના આવા કહેવાતા ‘નાના’ પરંતુ હકીકતમાં ‘વિરાટ’ માણસો માટે મારી છાતી એકાદ ગજ ફૂલી ગઈ. આપણા સમાજની ઈમારતનો ઉપરનો માળ ઘણો સડી ગયેલો લાગે છે, પણ એનો પાયો હજુ મજબૂત છે એવી નક્કર હૈયાધારણ મળી ગઈ.

‘માડી !’ મેં માજીના હાથમાં પાંચસો રૂપિયા પાછા મૂકતા કહ્યું, ‘આ પૈસા તમારે રાખવાના છે. તમારી ઈમાનદારીના છે. નહીંતર આજના જમાનામાં આમ કોઈ ગાંઠના પૈસા ખર્ચીને પાછા આપવા આવે ખરું? તમે વાપર્યા કે નહીં એ હું ક્યાં જાણું છું કે ક્યાં પૂછવાનો હતો?’

‘પણ ઉપરવાળો તો પૂછશે ને?’ માજી બોલ્યાં.

માડીનો જવાબ સાંભળીને હું ફરી એકવાર નિઃશબ્દ બની ગયો. મને થયું કે નીતિ-અનીતિની સાવ સ્પષ્ટ સમજણ જે આ અભણ માણસોમાં છે એ આ ભ્રષ્ટાચાર આચરતા ભણેલાગણેલા લોકોમાં નહીં હોય? કદાચ હશે તો પણ એ લોકો પોતાના અંદરના અવાજને દબાવી દેતા હશે

મેં માંડ માંડ એ માજીને સમજાવ્યા. એ નહોતાં જ માનતાં. જ્યારે મેં કહ્યું કે ‘માડી ! એ પૈસા પેલો ગુજરી ગયો એ દીકરાના નામના છે, હું એ પાછા ન લઈ શકું. એટલે એની યાદમાં ક્યાંક વાપરજો.’ ત્યારે છેક એમણે એ સ્વીકાર્યા.

મારી સામે જોઈ, આંસુભરી આંખે અને હળવે પગલે મારી ચેમ્બરમાંથી એ માજી બહાર ગયાં. તે વખતે એમની વળેલી કમર જોઈને મને થતું હતું કે ખરેખર, આ આખી ધરતીને ટકાવી રાખવાના ભારથી માણસની કમર આટલી તો વળી જ જાય ! એ કાંઈ નાનો સૂનો ભાર થોડો છે?

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

દિન વિશેષ...

પ્રોફેશનલ ડેવલપમેન્ટની તક...