રિ-યુનિયન!...

"આપણે સી.એન.માં ૧૯૮૫માં એસએસસીમાં સાથે ભણતાં મિત્રોનું રિ-યુનિયન ગોઠવીએં તો?", "ચાલો, આપણે ગાંધીધામ કૉન્વેન્ટમાં ૧૯૯૨માં હાયર સેકન્ડરીમાં ભણતાં મિત્રોનું રિ-યુનિયન એરેન્જ કરીએં". આવા સંવાદો મારા કાને અથડાયા કરે છે.

આપણે ત્યાં ૧૯૫૫-૬૦ના ગાળા સુધી તો સાથે ભણીને કાયમ છૂટા પડી જનારા મિત્રોની સંખ્યા નહીંવત રહેતી. બાળપણથી કૉલેજ સુધી એક જ ગામમાં ભણ્યા હોય, એક જ ગામમાં નોકરી કરી હોય અને ઘણુંખરું પરણ્યા પણ એક જ ગામમાં હોય! આવા સહપાઠીઓ દિવસમાં ત્રણ વાર તો 'બે દિ'થી દેખાતો કાં નથી?' કે ' આવ..આવ...પાન ખાઈશ ને?' જેવા હાકોટા કરતા હોય. વળી પ્રસંગોપાત મળ્યા કરતા હોય પછી 'રિ-યુનિયન'નાં અભાવા શાના?

આજે તો 'રિ-યુનિયન'ના કારણે ટુરિઝમનો એક નવો એવન્યુ ખૂલી ગયો છે. ફ્લાઈટ બુકિંગ, ટ્રેઇન બુકિંગ, રિસોર્ટ, ધામ, હોટેલ્સ...ડેસ્ટિનેશન રિ-યુનિયન! જૂના ચડ્ડી અને ફ્રોકધારી સહપાઠીઈનું 'રિ-યુનિયન'નો નવો ટ્રેન્ડ ચાલ્યો છે.

કેટલાંક 'રિ-યુનિયન' સફ્ળ પ્રવાસ બની ગયાં હશે તો કેટલાંક 'આરંભે શૂરા' સાબિત થયાં હશે, કેટલાંકમાં તડ પડી હશે તો કેટલાંક બે-ત્રણ મિત્રોનાં ખભે ટકી ગયાં હશે, કેટલાંક હસીને ભેળા થઈ વિખેરાયાં હશે. કેટલાંકે એક જ વખત મળીને સંતોષ લીધો હશે. 'બહુ મજા આવી' તો એક મોનોટોનસ ઉદગાર છે.

જિંદગીનાં લખેલા લેખ જીવી લીધા પછી એને ભજવવાનો તખ્તો એટલે 'રિ-યુનિયન'. ખરેખર તો બાળપણ કે યુવાનીની વિસરાઈ ગયેલ ક્ષણો અને અધુરા રહી ગયેલા મધુરા દિવસો સંભારતાં મિત્રો નૉસ્ટાલ્જિયાનાં નશામાં થોડો સમય ડૂબી જવાની વ્યર્થ કોશિષ કરે છે. જીગરી હતાં એ ફરી જીગરી બનવા તરફડિયાં મારે છે.

જે હતું એ ફરી પાછું નથી આવી શકતું, જે બન્યું એ ફરી પાછું નથી બની શકતું. એક સમયે મહાસાગરનાં પેટાળ માપવા મરજીવાની જેમ પડેલા ઝિંદાદિલ  જીગરીયાં થોડો સમય કાંઠે છબછબિયાં કરી છૂટા પડી જાય છે.

ભલભલા સમાજશાસ્ત્રીઓ, મનોચિકિત્સકો કે હ્યુમન બિહેવીયરનો ગહન અભ્યાસ કરતા ખાંટુઓ માથું ખંજવાળે છે કે આ કૂદકે ને ભૂસકે ફાલ્યો-ફૂલ્યો 'રિ-યુનિયન'નો મૌલિક વિચાર કોને, ક્યારે, કેમ આવ્યો હશે?

આપણે ઘણું મેળવ્યા પછી પણ કશુંક ખૂટતું હોવાનો અજંપો આપણને ભૂતકાળ તરફ ખેંચી જાય છે. આપણા જૂના મિત્રો કેવા છે એ જોવાની ઝંખના હોય છે, એ બધા શું કરે છે એ જાણવાની ઉત્કંઠા હોય છે. પણ અફસોસ! એ લાગણીઓનું ઘોડાપૂર ઝડપથી ઓસરી જાય છે. ફૂટેલા આયનામાં જૂનું પ્રતિબિંબ કેવું દેખાય? દરિયા કાંઠે છોડી દીધેલા રેતીનાં કૂબાને સેંકડો મોજાંઓએ ક્યારનો સપાટ કરી નાખ્યો હોય છે.

મને થાય છે કે મોટા ખર્ચ કરતાં અચકાતા કોઈ મિત્ર વતી ફ્લાઈટની ટિકિટ અને રિસોર્ટનો ખર્ચ ઉઠાવી કોઈ એમને આગ્રહપૂર્વક નોતરું આપે ઈ તો 'રિ-યુનિયન'ની દૂનિયા સાચું સોનું, બાકી दूनियाँ पित्तल दी!

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...