જય શિક્ષક...

*યુધ્ધ મોરચે જતાં રસ્તામાં ગાંડીતૂર નદી આવી ત્યારે ગુરૂ-શિષ્ય વચ્ચે પ્રથમ નદી કોણ પાર કરશે તે વિષે રકઝક થઈ. અંતે શિષ્યે એમ કહ્યું કે, “ગુરૂજી ! તમને કંઈ થઈ જશે તો હું બીજો તમારા જેવો ગુરૂ નહીં બનાવી શકું પરંતુ નદી ઓળંગતા કદાચ હું ન રહું તો આપ જેવા સમર્થ ગુરૂ મારા જેવા અનેક રાજાનું નિર્માણ કરી શકશે. માટે મારા દેશને આપ જેવા શિક્ષકની જરૂર હોવાથી પ્રથમ હું નદી પાર કરીશ.” આ ગુરૂ-શિષ્યની જોડી એટલે સિકંદર અને એરિસ્ટોટલ.... આ જ સિકંદર મહાને એકવાર કહેલું- “હું જીવું છું એ મારા માતા-પિતાને આભારી છે પણ હું સારી રીતે જીવું છું એ મારા શિક્ષકને આભારી છે.”*
*કેટલાંક માણસોને એવું કહેતા સાંભળ્યા છે કે, મારે આટલાં વર્ષ થઈ ગયાં મારે ક્યારેય ડોક્ટરની જરૂર પડી નથી. મારે પાયલોટની જરૂર પડી નથી, મારે બિલ્ડરની જરૂર પડી નથી, મારે વકીલની જરૂર પડી નથી, મારે પોલિસની જરૂર પડી નથી, મારે કોઈ રાજકારણીની જરૂર પડી નથી..... વગેરે વગેરે... કોઈ એમ કહેશે કે, મારે ક્યારેય શિક્ષકની જરૂર પડી નથી ???*
*આ પૃથ્વી ઉપર ભગવાન બાદ સૌથી વધુ ચમત્કાર શિક્ષકોએ કર્યાં છે !!! આ એક શિક્ષક કુમારી સુલિવાનની તાકાત છે કે દેખવાની, સાંભળવાની, બોલવાની શક્તિ ન ધરાવનાર બાળકીને “હેલન કેલર” તરીકે જગ મશહૂર કરી.  સંસારમાં માત્ર બે-પાંચ વ્યવસાય જ એવા છે કે જેમાં તમે પ્રત્યક્ષ રૂપે કોઈકની જિંદગીને સર્વોત્તમ બનાવી શકો છો. એ તમામ વ્યવસાયોમાં શિક્ષકનો વ્યવસાય સર્વશ્રેષ્ઠ છે.*
*જો કોઈને શિક્ષક ન હોવાથી કોઈ ફેર ન પડે, એમ માનવાની કલ્પના હોય તો એકવાર માત્ર પ્રયોગ માટે થઈને કોઈ ગામમાં માત્ર દસ વર્ષ માટે સ્કૂલ બંધ કરી દો. જુઓ પછી આવનાર પેઢીની દશા !!! તમારી આજુબાજુ એકવાર ઝીણવટથી નજર કરીને કહો- તમારા બાળકમાં હાલ જે કંઈ સારા સંસ્કાર છે તે તેને ક્યાંથી મળ્યાં છે ? શું આ સંસ્કાર તમારા મોબાઈલ, ઈન્ટરનેટ, ટી.વી., પાડોશીઓ, મિત્રો, સગાં-વહાલાંએ આપ્યાં છે ? ભગવાન રુઠી જાય, દેવતા રુઠી જાય તો ગુરૂ તમારી રક્ષા કરે છે પણ ગુરૂ રુઠી જાય તો તમારી રક્ષા કોઈ કરી શકતું નથી.*

શિષ્યની પાત્રતા અને શિક્ષકની કર્તવ્ય નિષ્ઠા ભળે છે ત્યારે-ત્યારે શ્રી કૃષ્ણ-સાંદિપની, દ્રોણ-અર્જુન, વશિષ્ઠ-શ્રીરામ, ગોખલે-ગાંધી, રમાકાંત આચરેકર-સચિન, હરિદાસ-તાનસેન, ચાણક્ય-ચંદ્રગુપ્ત મૌર્ય, રામકૃષ્ણ પરમહંસ-સ્વામી વિવેકાનંદ ઈતિહાસ સર્જે છે.*
*લોકલાડીલા અબ્દુલ કલામના શબ્દો હતાં- આ દેશને ભ્રષ્ટાચાર મુક્ત અને સુંદર મનવાળા લોકોનો દેશ ત્રણ જ વ્યક્તિ બનાવી શકે છે- માતા-પિતા અને શિક્ષક.... કોઈ સ્કૂલનું બહું મોટું નામ છે તો સમજો કે ત્યાંની બિલ્ડિંગ ફેસિલિટીના કારણે નહીં પણ ત્યાંના શિક્ષકોના કારણે તે સુવિખ્યાત છે.*
*એક સ્વરુચિ ભોજનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તેમાં એક યુરોપીયને એમ કહીને ભારતીયોની હસી ઉડાવી કે, ભગવાન આપણને ખૂબ ચાહે છે એટલે આપણને સૌને ગોરી ચામડીના બનાવ્યાં. એક ભારતીય સમસમી ગયો. એ કાર્યક્રમમાં સ્ટેજ પર એનો બોલવાનો વારો આવ્યો. તે ભારતીયએ એક વાર્તા કહી, “ઈશ્વર એક વખત રોટલી બનાવવા બેઠા. પહેલી રોટલી બનાવી પણ તે કાચી રહી. એ સાવ ધોળી રહી. ઈશ્વર બીજી વાર ધ્યાન રાખીને રોટલી બનાવી. આ વખતે રોટલી વધારે શેકાઈ જવાથી કાળી થઈ ગઈ. બે વારના અનુભવ બાદ પ્રભુએ ખૂબ સાવચેતીથી ત્રીજી રોટલી શેકી. આ રોટલી  ના કાચી રહી કે ના બળી ગઈ. તે સરસ પાકેલી અને ખાવાલાયક બની. તે ઘઉંવર્ણી હતી. પેલા યુરોપિયનને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. આ ભારતીય સજ્જન એ તે બીજું કોઈ નહીં પણ જેની યાદમાં આપણે “શિક્ષક દિન” ઉજવીએ છીએ તે સર્વપલ્લી રાધાકૃષ્ણન હતાં.*
*શિક્ષક મિત્રોને એક વિનંતી – ગમે ત્યાંથી સમય કાઢીને ત્રણ પુસ્તકો વાંચજો- દિવાસ્વપ્ન, તો-તો ચાન અને સમર હિલ. રાજ કૌશિકનો એક શેર છે.*

*ઉસને જરૂર કીસી સે મહોબ્બત કી હોગી,*
*ક્યૂંકી વો બાત કરતે બાર-બાર રોતા !*
*શિક્ષકો પ્રત્યે લાગણી છે એટલે કહું છું, પોતાના વ્યવસાય પ્રત્યે સજાગ રહેજો. વાંચ-મનન-ચિંતન ચાલુ રાખજો. વર્ગમાં જાઓ ત્યારે હસતાં મોંએ જજો. જે શિક્ષક વિભુના વરદાન જેવાં માસૂમ બાળકોના વર્ગમાં ખુશ રહી શકતો નથી તેને સ્વર્ગ મળે તોય દુ:ખી જ રહેશે !!! ક્લાસરૂમને ખાસ-રૂમ બનાવી બાળદેવોની સેવા કરજો. શિક્ષક એટલે પરમાત્માનો સદભાવના દૂત. જગતને પાષાણયુગથી આર્ટીફીશિયલ ઈન્ટેલિજન્ટ્સ યુગ સુધી પહોંચાડનાર  એકમાત્ર વ્યવસાયકાર હોય તો તે વન એન્ડ ઓન્લી ટીચર છે !


2.

આજે 'ટિચર્સ ડે' નિમીતે કંઇકને કંઇક શીખવી જનાર એ દરેક વ્યક્તિને કૃતજ્ઞતા સહિતની હ્રદયાજંલી.

- આંગળી પકડીને ચાલતા શીખવનાર અને સંસ્કારનું સિંચન કરનારા માતા-પિતાને.

- બાળમંદિરમાં કક્કાનો 'ક' અને 'એકડે એક' ઘુંટાવીને અક્ષરજ્ઞાનનો પાયો નાંખનાર શિક્ષકને.

- પેન્સિલની અણી તુટી જાય તો સંચાથી કઇ રીતે છોલવી તે શિખવનાર એ સહવિદ્યાર્થીને.

- પેન્સિલનાં બે ટુકડા થઇ ગયા પછી  બે ટુકડાને બન્ને બાજું છોલીને ચાર ભાગનો પણ ઉપયોગ થઇ શકે એ કળા શિખવનાર અને હ્રદયને ખિલવનાર એ સહવિદ્યાર્થીનીને.

- જીવનમાં થનારી ભુલોને સુધારીને ભુંસી પણ શકાસે એ શિખવનાર ઇરેઝરને.

- વિશ્રામનું મહત્વ સમજાવનાર એ રિશેષને.
- અન્ય સહવિદ્યાર્થી સાથે થયેલી ચણભણમાં હસ્તક્ષેપ કરીને ખભ્ભે હાથ મુકીને પક્ષ સ્પષ્ટ કરીને મિત્રતા શીખવનાર એ દોસ્તને.

- સહવિદ્યાર્થી સાથે કબડ્ડી રમતા તેને પગ ખેંચીને પછાડી દીધા પછી ઉભા કરવા માટે તેને લંબાવેલા હાથની ખેલદિલીને.

- મેં પાછળથી કેરિયર પકડેલ છે એમ કહીને ધક્કો મારીને છોડી દેનાર એ સાઇકલ શિખડાવનારને.

- નિશાળથી છુટ્ટીને જતાં રસ્તામાં આવતા આંબા પર પત્થરનાં એક જ ઘા થી કેરી પાડવાની અચુક નિશાનબાજી શિખવતા એ દોસ્તને.

- ભુલથી એ પત્થર નિશાન ચુકે અને મકાનમાલિક બહાર નિકળે ત્યારે હાથમાં હાથ પકડીને લાંબી દોડ અને કંપાઉન્ડની વોલ એક જ કુદકે કુદતા શિખવનાર એ દોસ્તને.

- નવી લાગેલી ફિલ્મને પ્રથમ દિવસ પ્રથમ શો જોવા માટે બનાવેલી 'ગુટલી' નામની તરકિબ શિખવનાર એ દોસ્તને.

- ટિકીટનાં પૈસા ન હોય ત્યારે બીજી વખત તુ આપી દેજે એવો હસતા હસતા જીવનનો હિસાબ-કિતાબ શિખવનાર દોસ્તને.

- મોટરસાઇકલની કીક મારતા અને ઘોડેસવારી માટે પેંગડામાં પગ ભરાવતા અને હ્રદયમાં હિંમત ધરાવતા શિખવનારને.

- ચોવીસ કલાક મોબાઇલનાં એપ્લિકેસનની આંટીઘુંટીને સમજવામાં બગાડ્યા હોય અને એક જ સેકન્ડમાં એ એપ્લિકેસન કંઇ જ ઉપયોગી કે મહત્વનું નથી એમ કહીને અનઇન્સ્ટોલ કરી આપનારને

.- પસ્તીમાં વિંટેલા શિંગ-દાળીયાને ખાતા-ચાવતા એ મેગેઝિનનાં પાનાને વાંચતા વાંચતા પાઠ્ય-પુસ્તકો સિવાય પણ ઘણુંબધુ વાંચવા જેવું હોય છે એ શિખવીને લાયબ્રેરીનાં પ્રથમ પગથીયાનો રસ્તો ચિંધનાર એ ફાટેલા કાગળને.

- દુશ્મનોએ કરેલા પ્રહાર જ વધારે મજબુત બનાવે છે એટલે એ દુશ્મનોને.

- એક સમયે સંવેદન,લાગણી અને જોડાયેલી વ્યક્તિની કાળજી લેવાનાં ભાવથી ભરેલા હ્રદય સાથે રૂક્ષ વ્યવહાર કરીને કઠોર બનાવનાર એ રુક્ષતાને.

- નિષ્ફળતા એ જ સફળતા મેળવવાનું પ્રથમ પગથીયુ છે એટલે એ પ્રયત્નને.

શીખવાની પ્રક્રિયા સતત,નિરંતર થતી રહેતી ક્રિયા છે. સમય પણ શિક્ષક છે,દરેક ક્ષણ શીખવે છે.

જાણતા-અજાણતા,પ્રત્યક્ષ-પરોક્ષ કંઇકને કંઇક શિખવી ગયેલા એ તમામ શિક્ષક અને ક્ષણને હ્રદયાજંલિ...!!

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...