વહુની ભેટ...

વહુ – એક દિકરાથી માતાને દૂર કરીને આપી અનોખી ભેટ એક વહુએ…

ભરયુવાનીમાં જ રંડાપો વેઠીને રમાએ આશીષને કેટલીયે મુશ્કેલીઓનો સામનો કરીને મોટો કર્યો હતો. એક જ આશાએ, કે કાલે દીકરો મોટો થાશે ને પછી એને કોઈ દુઃખ જ નહીં રહે ! આશિષ પણ ભણી ગણી ને નોકરીએ ચડ્યો અને રમાને થયું, ” હાશ !! હવે મારા દુઃખના દિવસો ગયા, “પણ, આશિષ નોકરીએ ચડ્યો કે તરત જ થોડા વખતમાં , એ કોર્ટ મેરેજ કરીને અલ્કા ને લઈ ડાયરેક્ટ માં ને પગે લાગવા આવ્યો !!! રમા ને આઘાત તો ઘણો લાગ્યો !!પણ, “દીકરા ની ખુશી માં પોતાની ખુશી” એમ માની, રમાએ બન્નેને સ્વીકારી લીધા.આશિષ અને અલ્કાએ રાહત નો શ્વાસ લીધો ! કેમકે એમને એ ડર હતો કે માં અલ્કાને સ્વીકારશે નહિ તો ?? અને શું બોલશે ?? મા રડશે , ઝગડશે અને કાઢી મુકશે તો ?? એ પોતે તો બન્ને ભણેલા ગણેલા ને નોકરી પણ સાથે જ કરતાં હતાં. અચાનક એવી પરિસ્થિતિ ઊભી થઈ કે ડાયરેક્ટ કોર્ટ મેરેજ કરવા પડ્યા.

… આશિષ અને અલ્કાને બીજો કોઈ ડર નહોતો પણ, માં સ્વીકારે નહિ તો એને એકલી મૂકીને જવું નથી પણ, એ ગુસ્સામાં આવીને કાઢી મુકશે તો ?? એ બન્ને તો એમની નવી દુનિયા બનાવી લેવા સક્ષમ હતાં પરંતુ જે માં એ પોતાની ભરજુવાની , આખી જિંદગી જે દીકરાને ઉછેરવામાં જ વિતાવી એને હવે આ ઉંમરે એકલી રહેવા દેવી નહોતી .. અને સંજોગો એવા બન્યા કે નાછૂટકે આશિષ અને અલ્કા એ આવું મોટું પગલું ભરવું પડ્યું… !! પણ રમા એ કઈ કહ્યું નહિ. હાશ !! એમને જે બીક હતી એવું કંઈ ન થયું.રમાએ અલ્કા ને સહજતાથી સ્વીકારી ! આશિષે, હનીમૂન પરથી આવીને, માં ને કહીને એક નાનકડું “get to gether” ગોઠવીને પોતાના લગ્નનું રિસેપ્સન જેવું રાખીને અલ્કાના માતાપિતા સાથે પણ સમાધાન કરી તેમની માફી માંગી , બધું સમુસુતરું પાર પાડ્યું !!

આશિષ અને અલ્કા ખૂબ જ ખુશ હતાં. અને રમા ?? આમ તો એણે પણ, ખુશ જ થવાનું હતું કે આ જમાના પ્રમાણે એના દીકરો અને વહુ ના સ્વભાવ ખરેખર સારા હતાં. પણ, જ્યારથી આશિષ પરણીને આવ્યો ત્યારથી, રમાને આડોશી-પાડોશી, સગાંવહાલાં જે મળે એ રમાને કહે,” બિચારી…! નસીબ તો જો ??? કરમની કઠણાઈ .!!!”.. તયે.. છોકરો લવમેરેજ કરી ને વહુ લાવ્યો !!”…રમાનું બિચાળી નું કોણ હવે ??””વહુથી દબાતી નહિ… પેલેથી જ કડક રેજે !!””.. આપડે ગોતી ને લ્યાવી ઇ યે ઠીક બાઈ !! અતારે તો જમાનો જ બગડી ગયો સે !!” “આ તો ભાગી ને આવેલી વહુ !! કાંઈ હારાવાઇટ નો હોય !! એના થી દબાતી નૈ !! ”

અને.. હજુ કઈ કેટલુંય બધા બોલે … અને રમાના કાનમાં ઝેર જ રેડાય.. આને કારણે જ રમાનું વર્તન બદલાતું ગયું… રમા, આશિષ અને અલ્કાથી સાવ અતડી રહેવા લાગી. અલ્કા બોલાવે તો સરખાએથી જવાબ પણ ન આપે !! આશિષ પૂછે તો કોઈ કારણ ન બતાવે ! પોતાના નસીબ ને કોસતી રમા એક ઘરમાં ત્રણેય સાથે રહેવા છતાંય પોતાની આસપાસ એવી દીવાલ બનાવી લીધી .. કે એમાં આશિષ એક જ મહામુશ્કેલીથી અંદર આવી સકતો.. અલ્કા માટે તો દિલના દરવાજા બંધ જ !!

પતિપત્ની બન્ને નોકરી કરતાં હોય, આશિષ અને અલ્કા, સવારે દસ વાગ્યા પછી ઘરેથી નીકળી જાય કે સાંજે છ વાગ્યા પછી આવે. એ સમયે રમા ઘરે એકલી હોય, ત્યારે એ ખીલેલી હોય… હવે, એ જ્યારે ઘરે એકલી હોય ત્યારે, જુના પિક્ચરના ગીત ગણગણતી હોય, હીંચકતી હોય !! પણ, કોઈ આવ્યું કે એ પોતાની જાતને કોચલામાં પુરી દે !! એને એક જ વાત ૩ નો ડર ” પોતે વિધવા છે ને લોકો શું કહેશે ?? ” ઓગણીસ વર્ષે લગ્ન થઈ ગયા હતાં અને બાવીસમે વર્ષે તો આશિષના પપ્પા મૃત્યુ પામ્યા..શું ઉમર ને શું વાત ??

વૈધવ્ય તો સ્વીકારી લીધું પણ, ક્યારેય કોઈ સારી વસ્તુ ખાધીપીધી નહિ કે સારું ઓઢયું પહેર્યું નહિ !!! આશિષ એક સારો પુત્ર હતો પણ, પોતાની માં ની અંદર કઈ આશા અરમાન હોઈ શકે એવી એને ખબર પણ નહોતી. થોડા સમય પછી એવું બન્યું કે અલ્કા કઈ બીમાર પડી, ડોક્ટરે એને આરામ કરવાનું કહ્યું એટલે એણે ઓફિસમાંથી થોડા દિવસોની છુટ્ટી લીધી. એકાદ બે દિવસ તો રમા એ બરાબર ધ્યાન રાખ્યું પછી અલ્કા સૂતી હોય ત્યારે, TV ચાલુ કરી ધીમા અવાજે ગીતો સાંભળે.. સાથે સાથે.તેનાથી અજાણતા જ ગીતો ગણગણાય જાય.. વળી, ચૂપ થઈ જાય..!! અલ્કાએ સાસરે આવીને તરત જ આ નોંધ્યું હતું.. . પણ એના મનમાં આના માટે કોઈ ખાસ કુતુહલ ન થયું એને એ સાહજિક લાગ્યું હતું…

પણ, હમણાં થી અલકા ઘરે હોવાથી એણે જોયું કે બધાની હાજરીમાં એની સાસુ નું જે વર્તન છે એના કરતાં એકાંતમાં એ કઈ જુદા જ છે!! અને આમ પણ, રમા, અલ્કા થી અતડી રહેતી હતી, એ ચકોર વહુ થી અજાણ્યું નહોતું પણ, હશે ! એંમને બોલવાની ટેવ નથી એમ માની લીધું હતું. હવે જ્યારે ત્રણચાર દિવસથી અલ્કા ઘરે હોય એણે પોતાની સાસુ નું બીજું રૂપ જોયું…એકવખત તો રમાએ સવારે પોતાના વાળ ધોયા પછી એમ જ બાંધી દીધા હતાં. આશિષ તો રેગ્યુલર સમય પ્રમાણે ઓફીસ ગયો અને અલ્કા જમીને એના રૂમમાં આરામ કરતી હતી.

ત્યારે, રમાં કામમાંથી ફ્રી થઈને વાળ સરખા કરી ને મસ્ત રીતે છુટા રાખી , ધોઇ ને સુકાયેલા કપડાને ઘડી કરતી હતી અને હીંચકા ને એક પગે ઠેસ દેતી ઝૂલાવતી… કઈ જુના પિક્ચરનું ગીત ગણગણતી હતી… અલ્કા ને તરસ લાગતાં તે પાણી પીવા બહાર નીકળી… એ પોતાની સાસુનું આ રૂપ જોઈ રહી…ખૂબ સરસ જાજરમાન લાગતાં હતા સાસુમા…પણ, રમાનું ધ્યાન પડતાં જ… !! “જાણે કે પોતે કોઈ ગુનો કર્યો હોય તેમ છોભીલી પડી ગઈ !!”આ વાત પણ અલ્કાથી છુપી ન રહી..રમા … તો !! મોં પરથી સ્મિત ગાયબ !! હોઠો પરથી ગીત પણ ગાયબ !! અને, હિંચકો બંધ.. સાથે હવા માં લહેરાતાં એના ઝુલ્ફોય કેદ થઈ ગયા !!!

અલ્કા પાણી પી ને પોતે કઈ જાણતી જ નથી એવો ડોળ કરી રૂમમાં જતી રહી.પણ, સમજદાર અલ્કાની ભીતર રહેલી રુજુ સ્ત્રીમાં ઝણઝણાટી વ્યાપી ગઈ !! એના મનમાં વિચારોનો વંટોળ ઉંમટયો !!એક સ્ત્રી પર વીસ વર્ષની ઉંમરથી રંગબેરંગી દુનિયાએ રંગોની સાથે તેના આશા અરમાન, શોખ, હાસ્ય, ઉલ્લાસ, બધું છીનવી લીધું હતું !! શું વાંક હતો એ સ્ત્રીનો ?? કહેવાતા સમાજે વગર વાંકે, રિતરીવાજના બહાને એક સ્ત્રીના દિલને કચડી નાખ્યું હતું.આશિષ સાંજે ઓફિસે થી આવી ગયો એ પણ અલ્કાને ખબર ન રહી !!

આશીષે જ્યારે એને પૂછ્યું … “શુ વાત છે ?? તારી તબિયત તો સારી છે ને ??” ઉત્તરમાં અલ્કાએ પોતે જે જોયું અને અનુભવ્યું તે બધું જ આશિષને જણાવ્યું… આશિષ અવાચક બની ગયો. પોતાની માં વિષે આવું કોઈ દિવસ પોતે વિચાર્યું પણ નહીં… તેણે આભારવશ થઈ અલ્કા ને ચૂમી લીધી… અલ્કાએ આશિષને બીજી ઘણી વાતો કરી અને બન્ને એ બીજા દિવસથી એવું કરવાનું નક્કી કર્યું.

સવારે ઊઠીને ત્રણેનું પ્રાતઃકર્મ પત્યું કે તરત જ આશિષ જુના પિક્ચરના ગીતોની CD ચાલુ કરી ને માં સાથે વાતો કરવા લાગ્યો. અલ્કા કિચનમાં કામ કરતી હતી ત્યારે આશિષ માં નો હાથ પકડી પોતાની સાથે હીંચકા પર બેસાડીને સાહજિક ગીત ગાતો હતો.”…હરિ ભરી વસુંધરા પે નીલા નીલા યે ગગન…!!”અને કહે મમ્મી તમે કેવું સરસ ગાવ છો !! પોતે આડાઅવળું ને ખોટું ગાતો પૂછવા લાગ્યો.. કે પછી શું આવે ?? ત્યાં રમા તો ગાવા લાગી …”… યે કૌન ચિત્રકાર હૈ..!… યે કૌન…….ચિત્રકાર હૈ !!”

અતડી ને મૂંઝાયેલી રહેતી રમા , અત્યારે ફરીથી અને સાચી ખુશ રહેવા થનગની રહી..પણ, અલ્કા તરફ ધ્યાન જતાં…ફરીથી પોતાનો આંચળો ઓઢી લીધો !! આશિષે આ જોયું.. પણ એ કઈ બોલ્યો નહિ.. ચુપચાપ જમીને આશિષ અને અલ્કા જતાં રહયા..આખે રસ્તે અને જ્યારે ફ્રી થાય ત્યારે તેઓ એક જ વાત કરતાં હતાં.પણ, કોઈ મોટો નિર્ણય કરતાં પહેલાં તેઓ મૂંઝાતા હતાં.અલ્કા એ જ આશિષને કહ્યું હતું કે પપ્પાના વિધુર મિત્ર, રજનીકાન્ત અંકલ સાથે મમ્મીનું…!!

પહેલા તો આશિષ પણ ના પાડતો હતો પણ ધીમે ધીમે અલ્કાએ સમજાવ્યું અને વચ્ચે બેત્રણ વખત રજની અંકલને કોઈને કોઈ બહાને ઘરે બોલાવ્યા . એમનું ને મમ્મીનું ટ્યુનિંગ પણ નોંધ્યું. હિમ્મત કરીને રજનીઅંકલને આ વાત કરી . તે પણ આશ્ચર્યથી આ બન્ને સામે જોઈ રહ્યા અને ખુશ થતા બોલ્યા કે રમા માને કે ન પણ માને !! પણ તમારી બન્નેની ઉદાત્ત ભાવના જોઈ મને તમારા કુટુંબ સાથે આ રીતે જોડાવા મળે તો હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ. આશિષ અને અલ્કા રમા સાથે વાત કરવા માંગતા હતાં પણ, રમા ક્યારેય અલ્કાની હાજરીમાં સીધા મોંએ વાત જ ન કરે !! આશિષ અને અલ્કાએ રજનીઅંકલને જ આ વાત માં સાથે કરવાનું કહી દીધું. એક દિવસ, રજની અંકલે કહ્યું “રમા એ મારી પુરી વાત પણ ન સાંભળી અને આ બાબતે કશી ચર્ચા ન કરતાં એમ કહી, રડીરડીને મને પાછો વાળી દીધો.”

હવે, આશિષ મૂંઝાણો… એમાં બન્યું એવું કે આશિષ અને અલ્કા ની ઓફિસની બીજી બ્રાન્ચ ખુલી અને ઘણા બધા લોકોને એમણે બીજા શહેરમાં ટ્રાન્સફર કર્યા … જેમાં આશિષ અને અલ્કા પણ આવી ગયા. આ કુદરતી મોકો સમજીને આશિષ અને અલ્કા એ આ ટ્રાન્સફર સ્વીકારી લીધી અને મમ્મી ને ઘરે આવીને સીધી એમ જ વાત કરી કે બન્નેની બદલી થઈ ગઈ હોવાથી એ બન્ને બીજા શહેરમાં રહેવા ચાલ્યા જાય છે. રમા ને તો માન્યા માં નહોતું આવતું કે એનો દીકરો એને આમ તરછોડી દેશે !!૭ એણે આશિષની સામે જ અલ્કા ને કેટલુય આડુંઅવળું સંભળાવી દીધું અને…કહ્યું કે આશિષની નોકરી માટે જ પોતે આ નવા શહેરમાં રહેવા આવી હતી અને અલ્કાના કહેવાથી જ આશીષે જુના ગામમાં પોતાનું મકાન પણ વેચી નાખ્યું.

મને એ પણ જાણવા મળ્યું છે કે કમ્પનીમાં બદલી અટકાવી શક્યા હોત ! પણ વહુ ની ચડાવણી થી જ દીકરાએ આ બદલી સ્વીકારી છે !! હવે હું ક્યાં જઈશ ને શુ કરીશ ?? તમારા બન્ને સાથે રહેવા માટે તો મેં રજનીકાન્તની વાત પણ ન માની અને હવે ?? પણ, હવે મને સમજાઈ ગયું છે !!” અલ્કા તરફ ફરીને રમા કહે, ” હું તને સાવ આવી નહોતી માનતી.. !! મને ખબર નહોતી કે તું મને એકલી કરી ને.. આમ …. !! પણ, હજુ કઈ મોડું નથી થયું…!!”

એમ કહી રમા આગળ કાંઈ બોલે એ પહેલાં જ રજનીકાંત આવ્યા અને કહે, ” હા, રમા !, હજુ મોડું નથી થયું.. આ ઉંમરે કોઈ સ્ત્રી કે પુરુષને કદાચ શરીરના આવેગો ની નહિ પણ, એક માનસિક હૂંફ ની ભૂખ હોય છે જેને માટે એક પુરુષને જેટલી એક સ્ત્રીના સહવાસ ની ઝંખના હોય તેટલી જ એક સ્ત્રીને પણ પુરુષની ઉષ્માની જરૂર હોય છે !! ”

રજનીકાંતે અલ્કાના માથા પર હાથ મૂકી કહ્યું , “… અને આ વાત એક સ્ત્રી જ સમજી શકે !! અમને પુરુષોને એ ક્યારેય ન ખબર પડત !! કેમ આશિષ ?? શું કહે છે દીકરા ??” રમા તો ફાટી આંખે ત્રણેય સામે જોઈ રહી… ખાસ કરીને અલ્કા સામે..! એણે જોયું …અલ્કા મંદ મંદ હસી રહી હતી પણ તેની આંખો ભરાઈ આવી હતી…

આશિષ, માં નો હાથ પોતાના હાથમાં લઈ … ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો… માં, તે મારા ઉછેરમાં તારી જાતને દાટી દીધી . તું તારી જિંદગી જીવવાનું ય ભૂલી ગઈ !! માં, હું અબુધ આ વાત ક્યારેય ન સમજત, જો અલ્કા મારા જીવનમાં આવી ન હોત !! માં !!, કમ્પનીમાંથી આ ઓર્ડર આવ્યા ત્યારે હું કેન્સલ કરાવી શક્યો હોત ! પણ, માં ! અમારી હાજરીથી તું મૂંઝાઈ જઈશ !! હું તારો દીકરો તને કહું છું, માં તું બીજા કોઈ લોકોની કે દુનિયાની ચિંતા કર્યા વગર, હવે તારી નવી જિંદગી જીવ !! મમ્મી !!,તું મારી હાજરીમાં નવજીવનની શરૂઆત ન કરી સકત !!

એ વાત મને અલ્કા એ સમજાવી.અને મેં ટ્રાન્સફર તારી આ વહુ ના કહેવાથી જ સ્વીકારી છે !! મમ્મી, તું રજનીઅંકલની વાત સ્વીકારી લે અમને ખુશી ખુશી જવા દે !! આપણે એકબીજાના શહેરમાં આવતાં જતાં રહેશું !! મમ્મી, આજે તારો દીકરો અને વહુ તને આ અરજ કરે છે !!” આશિષ આંસુભરી આંખે મા સામે જોઈ રહ્યો… રમા તો અસંમજસ થી એવી રીતે સામે જોઈ રહી કે એની વહુ અલ્કા આવીને સાસુને ભેટી પડી.સંસારમાં ક્યાંય ન બને એવો બનાવ બન્યો … એક વહુ એ સાસુને નવજીવનની ગીફ્ટ આપી…

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...