પત્નીને ઉંચકવાના એ ત્રીસ દિવસ...

એ દિવસે રાત્રે હું ઘરે આવ્યો અને મારી પત્ની જ્યારે મારું જમવાનું પીરસી રહી હતી, ત્યારે મેં એનો હાથ પકડ્યો અને કહ્યું, ‘મારે તને કશુંક કહેવું છે.’ એ શાંતિથી નીચે બેઠી અને જમવા લાગી. ફરી મેં તેની આંખોમાં જોયું અને મને જાણ થઈ કે મેં ખરેખર એનું મન દુભાવ્યું છે. મને ખબર ન પડી કે હું વાતની શરૂઆત કઈ રીતે કરું, છતાં હું જે વિચારતો હતો એ તો મારે એને કહેવું જ હતું. મેં સ્વસ્થ થઈને શાંતિથી મારી વાત શરુ કરી અને કહ્યું કે : ‘મારે છુટાછેડા જોઈએ છે….’ મારી ધારણાં મુજબ જ આ વાક્ય સંભાળતાં એના મોં પર સંતાપ ન દેખાયો, બલકે એણે નમ્રતાપૂર્વક મને પૂછ્યું, ‘શા માટે ?’

મેં એના પ્રશ્નનો વળતો જવાબ ન આપ્યો. આ વાતથી તે ખૂબ ગુસ્સે થઈ. લાકડાનો તવેથો એ મારી તરફ ફેંકીને આક્રોશમાં બોલી, ‘તું તો માણસ જ નથી….’ તે રાત્રે અમે બન્નેએ એકબીજા જોડે વાત ન કરી. તે રડતી હતી. મને ખ્યાલ હતો કે એને એ જાણવું હતું કે અમારા વૈવાહિક જીવનને થઈ શું ગયું છે ? પરંતુ હું એને સંતોષકારક જવાબ ના આપી શક્યો. મારું હૃદય હવે ‘જેન’ નામની સ્ત્રી માટે ધડકતું હતું. હું મારી પત્નીને પ્રેમ નહોતો કરતો. મને તો એના માટે માત્ર દયા ઉપજતી હતી.


છેવટે અપરાધની અત્યંત લાગણી સાથે મેં છૂટાછેડાના દસ્તાવેજો તૈયાર કર્યા અને એમાં નોંધ કરી કે મારી પત્ની અમારું મકાન, અમારી ગાડી અને અમારી કંપનીમાં 30% નો ભાગ પોતાની માલિકીનો કરી શકશે. મારી પત્નીએ તે દસ્તાવેજો પર એક નજર ફેરવી અને પછી ફાડીને એના ટુકડા કરી દીધા. જે સ્ત્રીએ મારી સાથે એની જિંદગીના દસ વર્ષ વીતાવ્યાં હતાં તે મારી માટે આજે એક અપરીચિત વ્યક્તિ બનીને રહી ગઈ હતી. મને એનો સમય, સહારો અને ઉત્સાહ વ્યય કરવાનો ભારે પછતાવો હતો છતાં મેં જે કહ્યું એ શબ્દો હું પાછા નહોતો લઈ શકતો કારણ કે હું જેનને બહુ જ પ્રેમ કરતો હતો. મારી ધારણા મુજબ દસ્તાવેજો ફાડ્યા બાદ મારી પત્ની મારી સામે બહુ જ મોટેથી રડી પડી. મારી માટે એના આંસુએ મારી આઝાદી કે મારા છુટકારાનો સંકેત હતો. છૂટાછેડાની વાતે મારા મન પર છેલ્લા કેટલાક સમયથી કબજો કરી લીધો હતો; એ હવે વધુ દ્રઢ અને સ્પષ્ટ થતી જણાઈ.


બીજે દિવસે જ્યારે હું મોડી રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો મારી પત્ની કંઈક લખી રહી હતી. આખો દિવસ પેલી જેન જોડે વિવિધ પ્રસંગોમાં વીતાવ્યા બાદ હું ખૂબ જ થાકી ગયો હતો, તેથી રાત્રી ભોજન કર્યા વગર જ ઊંઘી ગયો. હું વચ્ચે ઉઠ્યો ત્યારે મેં જોયું તો હજુ તે કંઈક લખી રહી હતી. ખેર, મને એની કોઈ પરવા નહોતી એટલે પીઠ ફેરવીને હું સૂઈ ગયો.


સવારે એણે અમારા છૂટાછેડા માટે અમુક શરતો મારી સમક્ષ મૂકી. એને મારી જોડેથી કશું જોઈતું નહોતું પણ એને છૂટાછેડા પહેલા એક મહિનાની નોટીસ જોઈતી હતી. એણે એવી વિનંતી કરી કે એક મહિના દરમ્યાન અમે બન્ને એક સરળ વૈવાહિક જીવન જીવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ. એની આ શરતો માટેના કારણો બહુ સરળ હતા કારણ કે અમારા પુત્રને એક મહિનાના સમયગાળામાં પરીક્ષાઓ હતી અને અમારા છૂટાછેડાને લીધે એના અભ્યાસમાં કોઈ બાધા આવે એવું તે ઈચ્છતી નહોતી. આ શરત મને મંજૂર હતી.

પરંતુ એણે કેટલીક અન્ય શરતો પણ મૂકી હતી. એ ઈચ્છતી હતી કે હું એ સમય યાદ કરું જ્યારે મેં અમારા લગ્નના દિવસે તેને ઊંચકી હતી એને અમારા શયનખંડમાં તેને લઈ ગયો હતો. એણે એવી વિનંતી કરી કે હું એને આ એક મહિના દરમ્યાન રોજ સવારે અમારા શયનખંડથી અમારા ઘરની મુખ્ય ઓરડીના દરવાજા સુધી ઊંચકીને લઇ જઉં ! શરત વાંચીને મને એમ થયું કે આ હવે ગાંડી બની ગઈ લાગે છે ! પણ અમારા સાથે રહેવાના માત્ર છેલ્લા દિવસોને સહન કરી શકાય એવા બનાવવા ખાતર મેં તેની આ વિચિત્ર માંગ પણ સ્વીકારી લીધી… ખાનગીમાં મેં જેનને પત્નીના છૂટાછેડાની શરતો વિશે વાત કરી ત્યારે તે આ વાહિયાત વાતો સાંભળીને હસી પડી. તેણે ધિક્કારપૂર્વક કહ્યું : ‘તારી પત્ની ભલે ગમે તે તર્ક અપનાવે પરંતુ એણે આ છૂટાછેડાનો સામનો તો કરવો જ પડશે…’

મેં જ્યારથી અમારા છૂટાછેડા વિશે મારી પત્નીને સ્પષ્ટ વાત કરી ત્યારથી અમારા બન્ને વચ્ચે કોઈ જ શારીરિક સંબંધ નહોતો. તેથી શરત પ્રમાણે પ્રથમ દિવસે જ્યારે મેં એને ઊંચકી ત્યારે અમને બન્નેને બહુ અતડું લાગ્યું. અમારો દીકરો તો અમારી પાછળ તાળીઓ પાડતો ખુશીથી કહેતો હતો કે : ‘આજે ડેડીએ મમ્મીને એમના હાથોમાં ઊંચકી છે……’ એના આ શબ્દોથી મને વેદના થઈ. શયનખંડથી મુખ્યખંડમાં અને તે પછી દરવાજા સુધી – એમ દસ મીટર કરતાં પણ થોડું વધુ અંતર મેં એને મારા હાથમાં લઈને કાપ્યું.

એણે એની આંખો બંધ કરી અને મને એકદમ નમ્રતાપૂર્વક કહ્યું : ‘આપણા પુત્રને આપણા છૂટાછેડા વિશે વાત ન કરતાં.’ થોડા દુઃખ સાથે મેં હકારમાં માથું ધૂણાવ્યું. મેં એને દરવાજાની બહાર હાથમાંથી નીચે ઉતારી. તે કામ પર જવા બસની રાહ જોઈને ઊભી રહી અને હું કારમાં મારી ઑફીસે જવા રવાના થયો.

એ પછી બીજા દિવસે તો અમે બહુ સહજતાથી વર્તી શક્યા. તેણે મારી છાતી પર ટેકો લીધો. મને એના વસ્ત્રોમાંથી આવતી સુવાસનો અનુભવ થયો. મને એ સમજાયું કે આ સ્ત્રીને મેં છેલ્લાં ઘણા સમયથી ધ્યાનથી જોઈ પણ નથી. મને એ પણ સમજાયું કે તે હવે યુવાન નથી રહી. તેના મોં પર નાની કરચલીઓ છે અને એના વાળ પણ સફેદ થઈ રહ્યા છે.


અમારા વૈવાહિક જીવને જાણે એના જોડેથી કર વસુલવાનું શરુ કર્યું હતું. એક ક્ષણ માટે તો હું વિસ્મયમાં મુકાઈ ગયો કે મેં આની જોડે શું કરી દીધું છે ! ચોથા દિવસે મેં જ્યારે એને ઊંચકી ત્યારે અમે ફરી નિકટ થઈ રહ્યાં હોઈએ એવું મને લાગવા માંડ્યું. આ એ જ સ્ત્રી હતી જેણે એની જિંદગીના દસ અણમોલ વર્ષ મને સમર્પિત કર્યા હતાં. પાંચમાં અને છઠ્ઠા દિવસે મને એહસાસ થયો કે અમારી નિકટતા વધી રહી હતી. મેં જેનને આ વાતની જાણ ના કરી. જેમ જેમ મહિનો વીતતો ગયો એમ એમ એને ઊંચકવું મારે માટે સહેલું થતું ગયું. કદાચ આ રોજની કસરત મને મજબુત બનાવી રહી હતી!

એક સવારે તે અમુક વસ્ત્રો પસંદ કરી રહી હતી. તેણે અમુક પહેરીને માપી જોયાં પરંતુ બરાબર ફીટ બેસે તેવા એકેય કપડાં નહોતાં. નિસાસો નાખતાં તે બોલી : ‘મારા બધા વસ્ત્રો માપ કરતાં મોટા થઈ ગયા છે.’ ત્યારે અચાનક મને એહસાસ થયો કે તે કેટલી બધી પાતળી થઇ ગઈ છે. કદાચ એટલે જ હું એને સહેલાઈથી ઊંચકી શકતો હતો. મનોમન મને થયું કે અરેરે… એણે પોતાના દિલની અંદર કેટલી કડવાશ અને દર્દ છુપાવી રાખ્યાં હશે. હું એની નજીક ગયો અને તેના મસ્તકનો સ્પર્શ કર્યો. બરાબર તે જ સમયે દીકરો અંદર આવ્યો અને કહ્યું : ‘ડેડ, મમ્મીને ઊંચકીને બહાર લઈ જવાનો સમય થઇ ગયો છે….’ એની માટે તો એના ડેડી રોજ એની મમ્મીને ઊંચકીને બહાર લઈ જાય એ એની જિંદગીનો જાણે એક અનિવાર્ય ભાગ બની ગયો હતો ! મારી પત્નીએ દીકરાને ઈશારાથી નજીક બોલાવ્યો અને એને હૃદય સરસો ચાંપી લીધો.


મેં મારું મોં બીજી તરફ ફેરવી લીધું કારણ કે મને ભય હતો કે ક્યાંક છેલ્લી ઘડીએ હું મારું મનનાં બદલી દઉં ! પછી મેં તેને રાબેતા મુજબ મારા હાથોમાં ઊંચકી એને શયનખંડમાંથી મુખ્ય ખંડ અને પછી મુખ્યખંડના દરવાજા સુધી એને લઈ ગયો. એના હાથ મારા ગળા ફરતે એકદમ નાજુક રીતે વીંટળાયેલા હતાં. મેં એનું શરીર એકદમ સજ્જડ રીતે પકડી રાખ્યું હતું. બરાબર એ જ રીતે જે રીતે અમારા લગ્નના દિવસે પકડ્યું હતું. પરંતુ એના આટલા ઓછા વજનને લીધે હું દુઃખી હતો. મને થતું કે શું કામ એ જીવ બાળતી હશે ?

છેલ્લે દિવસે જ્યારે મેં એને મારા હાથમાં ઊંચકી ત્યારે હું એક કદમ પણ આગળ ન વધી શક્યો. દીકરો એ સમયે નિશાળે ગયો હતો. મેં એને એકદમ સજ્જડ રીતે પકડીને કહ્યું, ‘મને એવી ખબર પડી ગઈ છે કે આપણી જિંદગીમાં નિકટતાનો અભાવ હતો….’ એ પછી હું કાર લઈને ઓફીસ ગયો. કારને લોક કર્યા વગર એમાંથી ઝડપભેર કૂદકો માર્યો કારણ કે મને એ ભય હતો કે કોઈપણ પ્રકારનો વિલંબ મારો વિચાર બદલી દેશે. હું સીડીઓ ચઢીને ઉપર ગયો. જેને દરવાજો ઉઘાડ્યો અને મેં એને કહ્યું :


‘સોરી જેન, મારે હવે છૂટાછેડા નથી જોઈતા…’ તેણે મારી સામે આશ્ચર્યપૂર્વક જોયું અને પછી મારા કપાળ પર હાથ ફેરવ્યો : ‘તને તાવ તો નથી આવ્યો ને ?’ મેં એનો હાથ મારા કપાળ પરથી હટાવ્યો.

‘સોરી જેન….’ મેં કહ્યું, ‘હું છુટાછેડાં નહીં લઉં. ખાસ તો મારું વૈવાહિક જીવન એટલે નીરસ હતું કારણ કે અમે અમારી જિંદગીના મૂલ્યોની કિંમત સમજતા નહોતાં. હકીકતે એવું નથી કે અમે એકબીજાને પ્રેમ નહોતા કરતાં. હવે મને એહસાસ થાય છે કે જ્યારથી અમારા લગ્નના દિવસે હું એને મારી ઘરે લઈ ગયો હતો ત્યારથી અમારું મૃત્યુ અમને અલગ ન કરે ત્યાં સુધી મારે એને સાથ આપવાનો જ હોય.’ મારી વાત સાંભળીને જેન જાણે અચાનક નિંદ્રામાંથી ઉઠી હોય એમ આવાક થઇ ગઈ અને મને જોરથી એક તમાચો માર્યો અને પછી એટલા જ જોરથી દરવાજો બંધ કરીને ચોધાર આંસુએ રડી પડી. હું સીડીઓ ઊતરીને નીચે ગયો અને પછી કાર લઈને નીકળી ગયો.


રસ્તામાં એક ફૂલોની દુકાનમાંથી મેં મારી પત્ની માટે ગુલદસ્તો ખરીદ્યો. દુકાનદારે મને કાર્ડમાં કંઈક લખવા વિશે પૂછ્યું. મેં સ્મિત કર્યું અને લખ્યું, ‘મોત આપણને અલગ ન કરી દે ત્યાર સુધી હું દરરોજ સવારે તને ઊંચકીશ….’ તે સાંજે હું ઘરે આવ્યો. મારા હાથોમાં ગુલદસ્તો અને મુખ પરની મુસ્કાન સાથે હું સીડી ચઢી ઉપર મારી પત્નીને મળવા ગયો…. પણ એ સમયે એણે એના દેહનો સાથ છોડી દીધો હતો.

એ પછી મને ખબર પડી કે મારી પત્ની છેલ્લા અમુક મહિનાઓથી કેન્સરથી પીડાતી હતી. તેનું વજન ઘટતું જતું હતું. પરંતુ હું તો જેન સાથે એટલો વ્યસ્ત હતો કે મેં આની કોઈ નોંધ જ લીધી નહોતી. એને ખબર હતી કે તે જલ્દી જ આ સંસાર ત્યજી દેશે. મારા દીકરા સામે મારી કહેવાતી છાપ ખરાબ ન થાય એટલે તેણે છૂટાછેડાની વાત આગળ ન ધપાવી. કમસેકમ હું મારા પુત્રની સમક્ષ એની આંખોમાં એક પ્રેમાળ પતિ તરીકે રહી શકું તેથી તેણે આમ કર્યું.


ખરેખર તો આપણા જીવનની સુક્ષ્મ બાબતો જ આપણા જીવનમાં સૌથી અગત્યની હોય છે. એ નથી હવેલી, નથી ગાડીઓ, નથી મિલકત કે નથી બેંકમાં જમા કરેલાં આપણા નાણાં. આ બધી ભૌતિક વસ્તુઓ ખુશીઓનું કારણ બની શકે પરંતુ એ પોતે તો ખુશીઓ ન જ આપી શકે. એટલે તમારા જીવનસાથીના મિત્ર બનવા માટે સમય ફાળવો અને એકબીજા માટે એ તમામ નાની ઝીણી-ઝીણી વસ્તુઓ કરો કે જેનાથી તમારી નિકટતા વધી શકે. ખરા અર્થમાં ખુશખુશાલ વૈવાહિક જીવનની તમને શુભકામનાઓ !

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...